તત્વજ્ઞાન - એક સંક્ષિપ્ત પરિચય.
પ્રણામ વાચકમિત્રો,
જન્મથી જ માણસ આ સંસાર, જીવન અને તેના પાછળનો મૂળ પ્રયોજન અને તેનો પ્રાથમિક ઉદ્દેશ વિશે જાત-જાતનું સાંભળતો અને શીખતો આવે છે. તે હજી કંઈક જાણવાનો પ્રયત્ન જ કરતો હોય છે ને અચાનક તેની સામે અલક-મલકનાં રીતિ-નિયમો અને વારસાગત માન્યતાઓ અને રિવાજ-પ્રથાઓનો પહાડ તૂટી પડે છે. પોતાનું જીવન કેમ જીવાય, શું ધ્યેય રાખીને જીવાય અને કેવી પદ્ધતિથી જીવાય... તે બધું જ તેને શીખવી દેવામાં આવે છે.. એ લોકો દ્વારા..જેમણે પોતે ક્યારેક આ કોઈ બીજા પાસેથી શીખેલું!
બસ.. આ ચક્ર ચાલ્યા જ કરે છે. દરેક મનુષ્ય એક-બીજા નો ટેકો, દરેક માણસ એક-બીજાનો "સ્વયં-અંધ" માર્ગદર્શક. પણ મિત્રો, આજ બધું નથી. જો હોત, તો પ્રગતિ શબ્દ આપણે ન જાણતા હોત. સંભવતઃ આપણે હજી સુધી પશુસમાન જડ-માનવ જ હોત!
આતો ધન્યવાદ તે મહાત્મઓ ને.. જેઓએ સમયે-સમયે સમાજ ની કાટ ખાઈ ગયેલ પ્રથાઓ પર સવાલો કર્યા - નહિ, એટલું જ નહિ... પરંતુ પોતાના જીવનમાત્ર પર જ સવાલ કર્યા!
અને કોઈ શું કામ સવાલ ન કરે?
આપણી નજર સામે આપણે લોકો ને વર્ષો-વર્ષ બસ સંઘર્ષ કરતા જ દેખીએ છીએ... શાનો શંઘર્ષ એટલો બધો? જીવી શકવાનો? એ જીવન... જેનો તમને પાવલી ભર પણ કોઈ સ્પષ્ટ હેતુ ખબર નથી!
તમારી જાણ બાર તમારો જન્મ જ શું કામ થયો? જ્યાં તમને પેલા કેમ જીવવુ, કેમ રહેવું વગેરે વગેરેનું જ્ઞાન મળે.. પછી જે પચ્યું હોય, જે સમજાણું હોય અને જે મગજમાં આવે તે એક નિશ્ચિત પરંતુ અનિત્ય સમય સુધી કરતુ રહેવાનું અને અલગ અલગ સર્કસ આવ્યા રાખે તેને સહન કરતુ રહેવાનું અને પછી મૃત્યુ - જે જન્મ ની જેમ 'પરવાનગી' લીધા વિના જ આવશે. લ્યો. છ વાક્યોમાં તમારા જીવન ની વ્યાખ્યા.
આમાં જો આ જીવનનાં મૂળ 'તત્વ' નો જ મર્મ ન ખબર હોય, તો આ બધું અર્થહીન જ કહેવાય ને!
જીવન એટલે એક યાત્રા - શિક્ષણ યાત્રા. આ યાત્રા એક વ્યક્તિલક્ષી યાત્રા છે - દરેક વ્યક્તિવિશેષ માટે ભિન્ન પાઠ છે આ શાળામાં!
ઘણાં લોકો ભૂતકાળમાં એવા થઇ ગયા છે જેમણે આ જીવનયાત્રા સિદ્ધ કરી છે અને કરુણામય હૃદય હોવાથી તેઓ સાથે-સાથે લોકો માટે પણ એક માર્ગ ઘડતા ગયા છે!
પ્રાચીન ભારતમાં પણ વિભિન્ન સ્થિતિસ્થાન, વિભિન્ન આવશ્યકતા વગેરે ધ્યાનમાં રાખી અનન્ય મહાત્માઓએ આ જ મનુષ્યજીવન-રુપી અતરંગી કોયડાને અલગ-અલગ દ્રષ્ટિકોણો થી ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે.
જેમ આપણે કોઈપણ એક જરૂરી નિર્ણય લીધા પેલા દરેક ની સલાહ લઈએ અને પછી સ્વયંનો તર્ક વાપરયે, એમ જ જીવન પ્રત્યેનાં અલગ-અલગ વિચારો અને દ્રષ્ટિકોણો ને પોતાના ઉપસંહારો સાથે સરખાવી, અને પછી પોતાના જ એક ચોક્કસ નિષ્કર્ષ પર આવવું, એને જ હું 'તત્વજ્ઞાન' કહું - જે કોઈ પુસ્તક અથવા માણસથી નથી પ્રાપ્ત થતું, પરંતુ પ્રત્યક્ષ સાક્ષાત્કારથી જ થાય!
તત્વજ્ઞાન ની દ્રષ્ટિ એ દ્રષ્ટિ છે જે આ જીવનની દરેક વસ્તુ, દરેક ઘટનાને એક ઊંડી નજર થી જોવે - વિવેકની નજર થી જોવે. અંતે તો આ જ એક માર્ગ છે. આના સિવાય કોઈ રસ્તો નથી.
"તત્વદર્શન અને તત્વમીમાંસાની જે પણ સ્થિતિ હોય...!
જ્યાં સુધી આ દુનિયામાં 'મૃત્યુ' નામની વસ્તુ રહેશે,
જ્યાં સુધી માનવ હૃદયમાં 'નિર્બળતા' નામની વસ્તુ રહેશે,
જ્યાં સુધી એ જ 'નિર્બળતા' માં 'દુઃખ' અને 'સંઘર્ષ' નામની વસ્તુ રહેશે, ત્યાં સુધી માણસનો એક પરમ સત્તા પર વિશ્વાસ હંમેશા રહેશે... ત્યાં સુધી માનવ હૃદયમાં પરમાનંદ ને પ્રાપ્ત કરવાની થોડી તો આશા રહેશે જ."
- સ્વામી વિવેકાનંદ
વાચકમિત્રો, આ જ તત્વયાત્રામાં આપણે એક-બીજાને સાથ આપવાનો છે. આપણી YouTube Channel - Complexity Simplified માં હું બસ થોડાક જ દિવસોમાં પ્રાચીન ભારતનું તત્વદર્શન અને તેના વિભિન્ન મત ધરાવતી શાખાઓ ઉપર વિડિઓ મુકવાનો છું. એમાં આપણે દરેક ધર્મ, તેના દરેક તાર્કિક નિષ્કર્ષ અને દરેકે-દરેક મહાનુભાવ અને તેમના વિચારો વિશે ઊંડાણપૂર્વક જાણશું. એમાં હું તત્વજ્ઞાનનાં વિવિધ સ્વરૂપો, તેના વ્યવહારિક મહત્ત્વો અને મર્મ-સાર ઉપર ચર્ચા-વિચાર કરશુ.
"આદર્શ-મૂર્તિ તું બનીને શીખતો રહે તદ્દન્તર,
સત્ય-જ્ઞાન-બદલાવની આ યાત્રા નિરંતર..!"
આભાર,
દક્ષ પારેખ.
Comments
Post a Comment